Saturday, August 28, 2010

ગ્રીન ઇઝ ઇન

Source: Fashion, Shefali Pandya Ami

ફેશન, શેફાલી પંડ્યા ‘અમી|



લીલો રંગ પ્રસન્નતા પ્રદાન કરતો હોવાથી આ વર્ષે યુવતીઓએ ફેશનમાં ગ્રીન કલરને પ્રાધાન્ય આપ્યું છે.

ઝરમર ઝરમર વરસતાં વરસાદમાં તમે બહાર નીકળો ત્યારે આસપાસનું લીલુંછમ વાતાવરણ કેવું રળિયામણું લાગે છે ને? જોઇને મન પણ પ્રસન્ન થઇ જાય. તેનું કારણ જાણો છો? લીલો રંગ જ પ્રસન્નતાનો રંગ છે. આ જ કારણસર આ વર્ષે ચોમાસામાં યુવતીઓએ લીલા રંગને ફેશનમાં પ્રાધાન્ય આપ્યું છે. પછી એ કોલેજિયન યુવતી હોય, હાઉસવાઇફ હોય કે વર્કિંગ વુમન. અત્યારે દરેકના વોર્ડરોબમાં ગ્રીન - લીલા રંગનું વર્ચસ્વ વધારે જોવા મળે છે.

કોલેજિયન યુવતીઓ તો ડ્રેસ અને ચૂડીદાર લીલા રંગના વિવિધ શેડ્સમાં સીવડાવે કે તૈયાર ખરીદે છે. જ્યારે કેટલીક યુવતીઓ લીલા રંગની ની-લેન્થ કુર્તી સાથે મેચિંગ લેગિંગ્સ પહેરે છે. જીન્સ અને કેપ્રી સાથે તો ગ્રીન કલરની શોર્ટ કુર્તી, ટી-શર્ટ કે ટોપ પણ સારા લાગે છે. ગ્રીન કલરમાં યુવતીઓ મિક્સ એન્ડ મેચ અથવા કોન્ટ્રાસ્ટ મેચિંગમાં પણ ડ્રેસ તૈયાર કરાવડાવે છે. તેમાં નેકલાઇન અને સ્લીવ પર એમ્બ્રોઇડરી કે બ્રોકેડ અથવા લેસ લગાવડાવે છે.

વર્કિંગ વુમન પણ મોટા ભાગે તો ડ્રેસીસ જ પહેરે છે. તેમના ડ્રેસીસમાં ખાસ કરીને નાની કે મોટી ફ્લોરલ પ્રિન્ટ, અલગ અલગ કલર કોમ્બિનેશનના પીસ લગાવેલી ગ્રીન કુર્તી અને ચૂડીદાર સોબર લુક પ્રદાન કરે છે. ઘણી મહિલાઓને સાડી પહેરવાની ગમે છે. તેમાં શિફોન, ક્રેપ વગેરે મટિરિયલની ગ્રીન કલરની સાડી સેલ્ફ પ્રિન્ટ ધરાવતી હોય કે પછી તેમાં લાઇટ હેન્ડવર્ક કરાવેલું હોય, તો પણ તેનો ગેટઅપ જ કંઇક અલગ આવે છે. ગ્રીન કલરમાં ડાર્ક ગ્રીન, બોટલ ગ્રીન, લીફ ગ્રીન, મેંદી, પેરોટ ગ્રીન જેવા વિવિધ શેડ્સ આવે છે અને શિફોન, લિઝિબિઝી જેવા મટિરિયલ પર આ શેડ્સ અત્યંત મનમોહક લાગે છે.


પથ્થરમાં પ્રાણ પૂરતાં નીનાબહેન

Source: Art Corner, Shefali Pandya Ami

આર્ટ કોર્નર,શેફાલી પંડ્યા ‘અમી’ |

આર્કિટેક્ટ બનવાને બદલે પતિના વ્યવસાયમાં મદદ કરવા માટે જોડાયેલાં નીનાબહેન દેવતાએ એક્સક્લુઝિવ મિક્સ એન્ડ મેચ ટાઇલ્સ, વોલપીસ, મિરરફ્રેમ, વુડન શો-પીસ બનાવ્યાં છે.

અમદાવાદમાં રહેતાં નીનાબહેન દેવતા એવી મહિલા છે, જેમને તમે ગમે તેવા પથ્થર, લાકડા કે લોખંડનું સ્ટેન્ડ, ડાળખી સુદ્ધાં આપો, તો તેમાંથી સુંદર મજાની કલાકૃતિ બનાવી આપશે. એટલું જ નહીં, નીનાબહેન મિક્સ એન્ડ મેચ ટાઇલ્સ મેકિંગ, વુડન અને માર્બલ મિક્સ-મેચ ફ્લોરિંગ, ગ્લાસ ફોટોફ્રેમ, સ્ટોન ફોટોફ્રેમ વગેરે પણ બનાવડાવે છે. હાર્ટ સ્પેશિયલિસ્ટ પિતાનાં દીકરી નીનાબહેનનો જન્મ અમેરિકામાં થયો. તેઓ ત્રણ વર્ષ સુધી તો અમેરિકા રહ્યાં. પછી તેમનાં માતા-પિતાએ તેમને ભારત મોકલ્યાં.

નીનાબહેન કહે છે, ‘મારા પપ્પાની પ્રેક્ટિસ સારી ચાલતી હતી, પણ તેમને એવી ઇચ્છા હતી કે અમે ચારેય ભાઇ-બહેન ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર આત્મસાત કરીએ. અમે શરૂઆતમાં અહીં મોટા પપ્પા અને કાકાના સંયુક્ત પરિવારમાં રહ્યાં. ચાર-પાંચ વર્ષ બાદ મમ્મી-પપ્પા પણ હંમેશાં માટે ભારત આવી ગયાં.’

આર્કિટેક્ટ બનવાની ઇચ્છા ધરાવતાં નીનાબહેન કહે છે, ‘મારે તો આર્કિટેક્ટ બનવું હતું, પરંતુ એસએસસીમાં આવી, ત્યારે મારો વાંચનનો શોખ જોઇને પપ્પાએ મને આર્ટ્સની લાઇન લેવાનું કહ્યું. મને રોજ કંઇક નવું જોઇએ. આથી મેં મારા ડ્રેસ જાતે ડિઝાઈન કરવાનું શરૂ કર્યું અને તે જ મટિરિયલમાંથી ચંપલ બનાવતા. કોલેજના પ્રથમ વર્ષમાં આવી ત્યારે મેં જાતે જ ડિઝાઈન કરેલાં ચંપલનું એક્ઝિબિશન યોજ્યું હતું, જેમાં મને મારી બહેનનો સંપૂર્ણ સાથસહકાર હતો.’

કોલેજ પૂરી કર્યા બાદ નીનાબહેનના લગ્ન તેમની સાથે જ અભ્યાસ કરતાં જિગીશભાઇ સાથે થયાં. ત્યારે જિગીશભાઇ એડવર્ટાઇઝિંગનું કામ સંભાળતાં હતાં. નીનાબહેને પોતાના પતિ જે ક્ષેત્રમાં કામ કરતાં હોય તેમાં તેમની સાથે જ મદદરૂપ થવાનું નક્કી કર્યું. દાંપત્યજીવનનાં પાંચ વર્ષમાં બે દીકરીઓને જન્મ આપ્યા બાદ નીનાબહેને સંપૂર્ણપણે ઘર અને પરિવાર પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ કહે છે, ‘મારી મોટી દીકરી કોલેજમાં આવી તે પછી મેં ફરી કંઇક કરવાનું વિચાર્યું. આમેય મને નિતનવા આઇડીયા તો આવતાં જ હતાં અને કંઇક નવું કરતાં રહેવાનો મારો શોખ યથાવત હતો.

આથી મેં મારા પતિના આર્કિટેક્ટના બિઝનેસમાં મદદરૂપ થવાનું વિચાર્યું. હું તેમની સાથે ફેક્ટરીએ આવતી અને અહીં પથ્થર, લાકડાંના ટુકડા, માર્બલ, ટાઇલ્સ પડ્યાં હોય તેમાંથી નવું શું બની શકે તેનો વિચાર કરતી. એ રીતે મેં વુડન ફ્રેમ, ગ્લાસ ફ્રેમ, ગાર્ડન આર્ટઇફેકટ, શોપીસ, વગેરે વિવિધ વસ્તુઓ બનાવી.’

જાતજાતની ફ્રેમ, મિક્સ એન્ડ મેચ ટાઇલ્સ, વોલપીસ, મિરર, વોટરફાઉન્ટેઇન, વગેરે બનાવતાં નીનાબહેનને રસોઇ કરવાનો અને વાંચનનો ખૂબ શોખ છે. કોઇ પણ વિષય પર સારી રીતે ચર્ચા પણ કરી શકે છે. પોતાના જીવનના યાદગાર પ્રસંગ વિશે જણાવતાં નીનાબહેન કહે છે, ‘મારા પતિની ઓફિસમાં કોન્ફરન્સ રૂમ મેં તૈયાર કર્યો હતો અને તે પણ તેમને જાણ ન થાય એ રીતે. રૂમના ફ્લોરિંગથી લઇને સીટિંગ અરેન્જમેન્ટ અને કલર પણ મેં જાતે જ કરાવ્યો હતો. એમણે એ રૂમ જોયો અને ત્યારે એમને જે આશ્વર્યાનંદ અનુભવ્યો ત્યારે મને જે ખુશી થઇ તે અવર્ણનીય છે. હાલમાં ફેબ્રુઆરી મહિનામાં મારી કલાકૃતિઓનું પ્રદર્શન મેં યોજ્યું હતું, તેમાં પણ મારા પતિ, મારી બહેન અને બનેવીએ ખૂબ સહયોગ આપ્યો.’

નીનાબહેન આજની મહિલાઓને પોતાનો સંદેશ આપતાં જણાવે છે, ‘દરેક સ્ત્રીએ પોતાનામાં રહેલી આવડતને શોખ તરીકે વિકસાવવી જોઇએ. ‘હું કંઇ નથી કરતી’ એવું ક્યારેય ન કહેવું કેમ કે દરેક સ્ત્રીની આગવી વેલ્યૂ હોય છે. ગૃહિણી પણ ઘરમાં રહીને પતિ, સંતાનો અને પરિવારની સંભાળ લે છે અને તેઓ ગૃહિણીના લીધે જ આગળ આવે છે. ગમે તેવા સંજોગોમાં ખુશ રહો. તમારામાં આવડત હશે તો ચોક્કસ આગળ આવશો.’ હંમેશાં ખુશખુશાલ રહેતાં નીનાબહેનને નવરા બેસી રહેવાનું નથી ગમતું. સતત કંઇક અનોખું કરવાનું વિચારતાં નીનાબહેન માટે ઘર-પરિવારનું મહત્વ વધારે છે.


મડ-મિરર વર્કથી ડ્રોઇંગરૂમમાં રોનક

Source: Shefali Pandya, Sajavat

{ શેફાલી પંડ્યા ‘અમી’ }સજાવટ


રાજકોટની સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી હોવાની સાથોસાથ બાળકોમાં આર્ટનો શોખ વિકસે તે માટે ખાસ ક્લાસીસ પણ લેતાં સોનલ જલુ ભવિષ્યમાં પોતાના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન કરવા ઇચ્છે છે.

કોઇ યુવતી સ્કૂલની મેનેજિંગ ટ્ર્સ્ટી હોય અને છતાં પોતાના શોખને પોષવા સ્કૂલમાં આર્ટના ક્લાસીસ ચલાવે અને બાળકોને શીખવવામાં પોતાની કલાનો ઉપયોગ કરે તો સોનામાં સુગંધ ભળી ગણાય ને? આ યુવતીનું નામ છે, સોનલબહેન જલુ. મૂળ કેશોદમાં જન્મેલાં અને મોટા થયેલાં સોનલબહેનને નાનપણથી જ ડ્રોઇંગનો શોખ હતો. તેઓ કહે છે, ‘મારા મમ્મી-પપ્પાએ મારા શોખને પૂરતું પ્રોત્સાહન આપ્યું, પણ મારે ફાઇન આર્ટ્સનો કોર્સ કરવો હતો. જે માત્ર અમદાવાદ કે વડોદરામાં થઇ શકે તેમ હતો. મારા પપ્પાએ કહ્યું કે પહેલાં હું મારો અભ્યાસ પૂરો કરું, પછી ફાઇન આર્ટસનો કોર્સ કરું. પપ્પાની ઇચ્છાને માન આપીને મેં એમ.એ., બી.એડ. ઇંગ્લિશ વિષય સાથે કર્યું.’

સોનલબહેન હાલમાં રાજકોટની નવયુગ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી છે. તેમણે કોઇ પણ ક્લાસીસ ભર્યા વિના આપસૂઝથી અનેક પેઇન્ટિંગ અને વોલપીસ બનાવ્યા છે. જેમાં કેન્વાસ પેઇન્ટિંગ, ફિંગર પેઇન્ટિંગ, વેકસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, મડ-મિરર વર્ક વગેરેનો સમાવેશ થાય છે. સોનલબહેન કહે છે, ‘મારા શોખને મારા પતિ અને સાસરિયાં તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. મારી દીકરી નાની હોવા છતાં મારા પતિ અને સાસરિયાંએ મને મારો શોખ પૂરો કરવા પૂરતો સહકાર આપ્યો છે.’ સોનલબહેન પાસેથી મડ-મિરર વર્કનો વોલપીસ કેવી રીતે બનાવવો તે શીખીએ. મડ-મિરર વર્ક માટે તમારે જોઇશે - માઉન્ટ બોર્ડ, ટ્રેડિશનલ ચિત્ર, ફેવિકોલ, કલર, કોલામેન પાઉડર. માઉન્ટ બોર્ડ એ માટીના રંગનું જ બોર્ડ આવે છે.

તેના પર તમને ગમતા ટ્રેડિશનલ ચિત્રની ડિઝાઈન દોરો. કોલામેન પાઉડરમાં ફેવિકોલ અને પાણી મિક્સ કરો અને તેને મેંદી મૂકવાનો કોન આવે છે, તેમાં ભરી લો. બોર્ડ પર પહેલાં ડિઝાઈન દોરી તેમાં જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં મિરર લગાવો. ત્યાર બાદ ડિઝાઈનમાં કલર પૂરો. સૂકાઇ જાય એટલે ફિનિશિંગ ટચ આપી મડ-મિરર વર્ક કરેલા વોલપીસને ડ્રોઇંગરૂમની દીવાલ પર સજાવો.


ફેબ્યુલસ ફ્લોરલ ડિઝાઈન

Source: Shefali Pandya 'Ami'

શેફાલી પંડ્યા ‘અમી’ , ફેશન |

બ્લેક, ની-લેન્થ ધરાવતા આ ટોપમાં જુદા જુદા કલરના ફૂલની ડિઝાઈન અને ટીકીવાળી નેકલાઇનના કારણે આ અલબેલીની અદા અનેરી લાગે છે ને?

હવે ચોમાસુ બરાબર એના મિજાજમાં આવવા લાગ્યું છે. ક્યારે વાદળાં ઘેરાઇને વરસાદ પડે તે કોઇ કહી ન શકે. આવી મસ્ત મજાની મોસમમાં અત્યારની આધુનિકા ફ્લોરલ પ્રિન્ટ પર પોતાની પસંદગી ઉતારે છે. ડ્રેસ હોય, કુર્તી, ની-લેન્થ ટોપ, ફ્રોક કે પછી ટી-શર્ટ હોય, તેમાં નાના-મોટા ફૂલોની રંગબેરંગી પ્રિન્ટ આજની લલનાને લોભાવે છે. ફેબ્રિકમાં તો અત્યારે મોટા ભાગે એવા જ મટિરિયલ પસંદ કરવામાં આવે છે, જે પલળે તો પણ ઝડપથી સૂકાઇ જાય. જ્યોર્જટ, શિફોન, ટેરીકોટન, ક્રેપ વગેરેમાંથી બનાવવામાં આવેલી સ્ટાઇલશિ શોર્ટ કુર્તીમાં વિવિધ કલર-કોમ્બિનેશન ધરાવતા ફૂલોની પ્રિન્ટનો લુક જ કંઇ ઓર આવે છે.

અત્યારે ખાસ કરીને બ્લેકમાં વ્હાઇટ, પીચ, કિરમજી, વગેરે રંગનાં ફૂલની પ્રિન્ટ, તો લાઇટ ગ્રેમાં રસ્ટ કલર, આછા પીળા રંગમાં ગાજર કલરના ફૂલની ડિઝાઈન યુવતીઓ વધારે પસંદ કરે છે. તેમાં પણ બ્લેકમાં મર્જન્ટા કલર્સની ફ્લોરલ પ્રિન્ટ તો અત્યંત સુંદર લાગે છે. જો કે બ્લેક કલર જ એવો છે કે તેમાં ગમે તે રંગના ફૂલની ડિઝાઈન શોભી ઊઠે છે. જે યુવતીઓને સફેદ રંગ વધારે ગમતો હોય તેમના માટે સફેદમાં ઝીણી ફ્લોરલ પ્રિન્ટવાળા ટોપ, કુતીg, ની-લેન્થ ફ્રોક પણ અલગ અલગ પેટર્નના મળતાં હોય છે કે કઇ પેટર્ન અને ડિઝાઈન પસંદ કરવી તેની મૂંઝવણ થઇ જાય.

આ ઋતુમાં વરસાદ વરસવાને લીધે વૃક્ષો ધોવાઇને લીલાંછમ લાગતાં હોય, માટીની ભીની ભીની સુગંધ આવતી હોય... એવી મોસમમાં કોઇ કોલેજગોઇંગ ગર્લ્સ કે વકિઁગ વુમન, ફ્લોરલ પ્રિન્ટનો પોશાક પહેરીને નીકળે તો એને જોઇને સ્વાભાવિક રીતે જ મોંમાંથી નીકળી જાય કે, ‘અય ફૂલોં કી રાની, બહારોં કી મલિકા....’



તમારી ક્રિએટિવિટીને

ખીલવા દો સોળે કળાએ

Source: Shefali Pandya, Coverstory

શેફાલી પંડ્યા, કવર સ્ટોરી

મહિલા પુરુષોની સરખામણીએ વધારે નિરીક્ષણક્ષમતા ધરાવતી હોવા છતાં જ્યારે કંઇક નવીન કરવાનું આવે ત્યારે હંમેશાં એને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવું કેમ બને છે? કારણ કે એ એક કરતાં વધારે કામનો બોજ મન પર લઇને ફરતી હોય છે. એવામાં પોતાની ક્રિએટિવિટી વધુ સારી રીતે કેમ કરીને ખીલવવી તે વિશે થોડું જાણીએ.....


પ્રિયાના ઘરનું રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. પ્રિયાની ઇચ્છા એણે થોડા દિવસ પહેલાં એક મેગેઝિનમાં જોયેલા મોડ્યુલર કિચન જેવું રસોડું રીનોવેટ કરાવવાની હતી, પણ અત્યારે એને યાદ જ નહોતું આવતું કે ખરેખર એ કિચન કેવું હતું. એણે બ્યૂટિ પાર્લરમાં મેગેઝિન જોયું હોવાથી તે ફરી જોવા મળે એવી તો શક્યતા હતી જ નહીં. એને અફસોેસ થતો હતો કે ત્યારે જ પોતે ત્યાં પડેલા પેડ અને પેન લઇ નોંધ કરી લીધી હોત તો સારું હતું. કોમલનો કિસ્સો આનાથી સાવ જ વપિરીત છે. એ હનીમૂન માટે સિમલા ગઇ હતી. જે હોટલમાં એ રોકાઇ હતી, ત્યાંના રૂમસર્વિસવાળા પાસેથી પલંગ પર નવી રીતે ચાદર પાથરવાની રીત એને ખૂબ ગમી ગઇ. એ ત્યાં શીખી એટલું જ નહીં, એને ખ્યાલ હતો કે પોતે ઘરે જશે ત્યાં સુધીમાં એ રીત ભૂલી જશે. એથી એણે એ રીતને ક્રમ પ્રમાણે નોટમાં નોંધી લીધી. હવે તો એનાં બાળકો પણ એની પદ્ધતિ અપનાવવા લાગ્યાં છે.

તમે કોના જેવા છો? પ્રિયા જેવા કે કોમલ જેવા? ખરેખર કહીએ તો, ઘરની સંભાળ હોય કે ઓફિસનું કામકાજ, બાળકોનો ઉછેર કરવાનો હોય કે રસોડાનું કંઇ પણ કામ - દરેક બાબતમાં નાવીન્ય ખૂબ મહત્વ ધરાવે છે. નાવીન્ય માટે જરૂરી છે, આઇડીયા એટલે કે યુક્તિ, જે માત્ર કોઇ એક વ્યક્તિના મનમાં જ નથી આવતાં. નિતનવા આઇડીયા તો જે વ્યક્તિ રચનાત્મક શક્તિ ધરાવતી હોય તેને જ આવે અથવા એ વ્યક્તિને આવે જેને કંઇ પણ નવી બાબત જુએ કે તરત જ તેની નોંધ કરી લે.

કહેવાય છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓની ઓબ્ઝર્વેશન કેપેસિટી એટલે કે નિરીક્ષણક્ષમતા વધારે સારી હોય છે, પરંતુ મહિલાઓનું મન એકસાથે અનેક મુદ્દા પર વિચારતું હોય છે. તેમણે રોજના જ એટલા બધાં કામ યાદ રાખવાનાં હોય છે કે નવા આઇડીયા આવે તે માટેનો અવકાશ જ નથી રહેતો. એટલે સર્જનાત્મકતા ખીલવવા શું કરવું તે જોઇએ.

અન્યની મદદ લો :

કોઇ પણ યોજના અંગે ખૂબ વિચાર કરો. બીજા લોકોનાં સલાહ-સૂચન પણ લો. આમ કરવાથી બીજા અનેક વિચાર આવશે અને તમારું કામ વધારે સારી રીતે થઇ શકશે.

નોંધ કરવાનું રાખો:

પર્સમાં મોબાઇલની સાથે એક નાની ડાયરી કે પેડ અવશ્ય રાખો. તમને જ્યારે, જ્યાં કંઇ નવું દેખાય અથવા તો નવો વિચાર આવે જે ભવિષ્યમાં ઉપયોગી થઇ શકે એવો હોય તો તરત તેની નોંધ કરી લો. જો તમે પંદર ટકા નોંધ કરશો, તો ભવિષ્યમાં પંચ્યાશી ટકા જેટલું કામ સરળ થઇ જશે.

માનસિક કસરત કરો :

જે રીતે શરીરને ફિટ રાખવા માટે કસરત જરૂરી છે, એ પ્રમાણે મગજ માટે પણ કસરત જરૂરી છે. માનસિક કસરત થાય તે માટે ખૂબ વાંચો, ક્રોસવર્ડ ભરો, શક્ય હોય તો નાના-મોટા ઉખાણાં ઉકેલવાનો પ્રયત્ન કરો.

ચર્ચા કરો :

તમે જો નોકરી કરતાં હો તો સહકર્મચારીઓ સાથે અને ગૃહિણી હો, તો ઘરના લોકો સાથે દરેક બાબતની ચર્ચા કરો. ચર્ચા કરવા માટે તમારે ખૂબ વાંચન કરવાની જરૂર પડશે. અલબત્ત, ચર્ચા અને ગોસપિ વચ્ચેનો ફરક અવશ્ય યાદ રાખવો. ચર્ચા કરવાનું અશક્ય હોય તો ફરવા જાવ. હા, ટીવી પ્રોગ્રામ જોઇને કંઇ નવું શોધવા ન બેસશો કેમ કે અભ્યાસ દ્વારા એ પૂરવાર થયું છે કે ઝડપથી પલટાતા ચિત્રોવાળા આ માધ્યમથી કોઇ સર્જનાત્મકતાનો વિકાસ થતો નથી.

નવીનતા માટે કંઇક કરો :

સૌથી પહેલાં તો તમે જાતને એ પ્રશ્ન પૂછી શકો છો કે નવીનતાની જરૂર શી છે? નવીનતા એકવિધતાનો અંત લાવે છે. તેનાથી જીવનની દરેક ક્ષણ તાજગીસભર અને નવીનતાભરી બની રહેવાની લાગણી જળવાઇ રહે છે. તમે વધારે બુદ્ધિશાળી અને સમજદાર બની શકો છો.

સંગીત સાંભળો :

દિવસ દરમિયાન ગમે ત્યારે થોડો સમય કાઢીને તમને ગમતું સંગીત સાંભળો. સંશોધનો અનુસાર વાધ્યસંગીત સાંભળવાથી રચનાત્મકતાને નવા પરિમાણ મળે છે.

આમ, જો તમે થોડી કોશિશ કરશો તો તમે પણ તમારી સર્જનાત્મકતામાં વધારો કરી શકશો.